કહેવાય છે કે સત્ય કલ્પનાને પણ ટક્કર મારે એવું હોય છે. રજનીકુમાર પંડ્યાનું પુસ્તક 'રોમાંચરેખા' વાંચતી વખતે આ બાબત સતત મનમાં ઘૂંટાયા કરે. એક તો મૂળ ઘટના જ એવી દમદાર, અને તેનું લેખક દ્વારા વાર્તાત્મક શૈલીએ રોમાંચક આલેખન- આ બન્નેના સંયોજનથી આ પુસ્તક એક જુદી જ ભાત ઉપસાવે છે. 'શ્વેતના જન્મ પહેલાંની શ્યામ કથા'માં સગા ભાઈના મૃત્યુ પછી તેના આત્માને પોતાના શરીરમાં પ્રવેશ કરાવવાનું તરકટ કરતો મોટો ભાઈ ભાભીને ફસાવવાના પેંતરા કરે છે. તેની ચાલબાજીને કઈ તરકીબથી ખુલ્લી પાડવામાં આવે છે? સંવેદના, સંબંધો અને સસ્પેન્સના મિશ્રણ જેવી આ સત્યઘટનાનું આલેખન એકદમ અદ્ભુત રીતે અને રસાળતાપૂર્વક કરવામાં આવ્યું છે! આવી જ કથા શશીકાન્તની છે. જૂઠાણાં અને જ્યોતિષની ભેળસેળ કરીને શશીકાન્ત રહસ્યનાં જાળાં ગૂંથે છે અને સૌને ચકરાવે ચડાવે છે. આ જ કથાબીજનો આધાર લઈ, તેમાં કલ્પનાના રંગો ઉમેરીને રજનીકુમારે 'ફરેબ' નવલકથાનું સર્જન કર્યું. આવી વિવિધ રોમાંચક સત્યઘટનાઓ આ પુસ્તકમાં આલેખાયેલી છે.