આ એ જ વીરાંગના છે જેની આપણને આવશ્યક્તા છે. આપણે પ્રતિક્ષા કરી રહ્યા છીએ એ જ દેવીની. તે જ ધર્મનું રક્ષણ કરશે. તે જ આપણું રક્ષણ કરશે. ભારત. ઈસાપૂર્વ 3400 ભારત વિભાજનો, તિરસ્કાર અને ગરીબીથી ખદબદી રહ્યું છે. લોકો પોતાના શાસકોને ધિક્કારે છે. લોકો તેમના ભ્રષ્ટ અને સ્વાર્થી ઉમરાવોને તિરસ્કારે છે. અરાજક્તા ફેલાવા માટે એક તણખો જ ઝરવાની વાર છે. લંકાનો રાક્ષસ રાજા રાવણ વધુને વધુ શક્તિશાળી બનતો જાય છે અને દુદ્રેવી સપ્ત સિંધુ ફરતે તેની ભીંસ વધતી જ જાય છે. પવિત્ર ભારતભૂમિના બે શક્તિશાળી કબીલાઓ નક્કી કરે છે કે હવે બહુ થયું. હવે તો એક તારણહાર આવવો જ જોઈએ. તેઓ તેને શોધવાનું શરૂ કરે છે. કોઈ ખેતરમાં એક ત્યજાયેલી બાળકી મળી આવી છે. લોહીતરસ્યા વરુઓના ટોળાથી એક ગીધ તેનું રક્ષણ કરી રહ્યું હતું. જેની બધા અવગણના કરતા હતા એવા મિથિલા નામના શક્તિહીન રાજ્યના શાસક એ બાળકીને દત્તક લે છે. કોઈ એ બાળકીને વધારે મહત્વ આપતું નથી. પરંતુ એ બધા ખોટા છે, કારણ કે એ કોઈ સામાન્ય બાળકી નથી. એ છે સીતા. અમીશની આ મહાગાથામાં એવી દત્તક લેવાયેલી બાળકીના અદભૂત સાહસોનું વર્ણન છે. જે પહેલા વડાં પ્રધાન બને છે અને પછી દેવી બનીને પૂજાય છે. રામ ચંદ્ર શ્રેણીનું આ દ્વિતીય પુસ્તક છે. એ પુસ્તક તમને પ્રારંભની પણ પહેલાની વાર્તાઓમાં ખેંચી જાય છે.