આ પુસ્તકનાં પાનાંઓને નવા જમાનાની હવા લાગી ગઈ છે. ફ્રેન્ડશિપ, લવ મેરેજ, સેક્સ, ફેશન, બ્યૂટીકોન્ટેસ્ટ, પોપમ્યુઝિક અને ડિસ્કોદાંડિયાને અહીં ઉત્સાહથી આવકાર છે. તો કૃષ્ણ અને ગાંધી પણ ભુલાયા નથી. દેશ પરદેશના અવનવા રોલ મોડેલ્સની અહીં ઝલક છે. તો દિવાલીના તહેવારથી માંડીને હિન્દુસ્તાનીઓની હાઈટ સુધીની બાબતોમાં આવેલા પરિવર્તનનું પ્રતિબિંબ છે. જીવનના પરોઢને સ્પર્શતા વિષયો કરિઅર, સુપરહીરો, પ્રવાસ, માર્કેટિંગ, ઇંગ્લિશ, ઇમોશનલ ઇન્ટેલીજન્સ, જનરલ નોલેજ, ક્રિકેટ, શિક્ષણ પૈસા અને પરીક્ષાને આ પુસ્તકમાં વૈશ્વિક ફલકનો સંદર્ભ લઈને છેડવામાં આવ્યા છે. એમાં આધુનિક વૃદ્ધત્વ અને આધુનિક નારીત્વની વાતો છે. વિભક્ત કુટુંબની વકીલાત છે અને આધુનિક નારીત્વની વાતો છે. વિભક્ત કુટુંબની વકીલાત છે. સેન્સરશિપથી આઝાદીના ખયાલાત છે ! એન.આર.આઈ. નું અવલોકન છે, તો નવાંનક્કોર નામોનું સંકલન પણ છે. અહીં વિદ્રોહ નથી. સલાહ કે શિખામણ નથી. વિશ્વને બદલી કાઢવાનું કાતિલ ઝનૂન કે યુવાનોને ક્રાંતિનું છેતરામણું આહવાન નથી. માત્ર, યુવાહૃદયમાં ઊછળતી ઊર્મિઓનો જીવંત ચિતાર છે. અલબત, આ પુસ્તક 18 થી 35 વર્ષ સિવાયના લોકો માટે પ્રતિબંધિત નથી ! બલકે, એ યુવાપેઢીને સમજવા અને નવા જમાનાને માણવા માગતા તમામને માટે છે.