સંશોધનથી અનેક સવલતો ઉપલબ્ધ થાય છે. અને ચિંતનથી આપણને જીવનમાં સતત દીશાસૂચન મળતુ રહે છે. તત્વજ્ઞાન અને ધર્મએ માનવ જીવનના પ્રેરક પરિબળો છે. તત્વજ્ઞાનનો આધાર છે તર્ક અને ધર્મનો આધાર છે શ્રદ્ધા.
ધર્મનુ ક્ષેત્ર તર્કથી પરનુ છે. છતા તેમાં ડગલેને પગલે તર્કની જરુર પડે છે. શ્રદ્ધા સાથે સમજ પણ ભળેએ ખૂબ જરુરી છે. સમજણ વિનાની શ્રદ્ધા, લાંબાગાળે અંદ્ધશ્રદ્ધામાં પરિણમે છે. ધાર્મિક કર્મકાંડો અને માન્યતાઓમાં શ્રદ્ધા ઉત્પન્ન કરવા અને તેને ટકાવી રાખવા ધર્મને તર્કની જરુર પડે છે. ધર્મનો પ્રાણ ભલે શ્રદ્ધા હોય. પરંતુ તેની પૃષ્ઠભૂમિ તર્ક છે. માનવજીવનમાં અજવાળા પાથરવા શ્રદ્ધા અને તર્કનો સમન્વય જરુરી છે. મનુસ્મૃતિમાં મનુમહારાજે પણ આ બાબતનો નિર્દેશ કરતા કહ્યું છે
यो तर्केण अनुसंधत्ते स धर्म वेद नेतरः ।
(જેને તાર્કિક સમજણ)નો આધાર મળે તેને જ ધર્મ જાણવો,અન્યને નહીં.)
આપણાં ધાર્મિક કર્મકાંડોની પાછળ સૂક્ષ્મ તર્કવિજ્ઞાન (logic) મનોવિજ્ઞાન
અધ્યાત્મવિજ્ઞાન (Spiritualism) છે.
પ્રસ્તુત ગ્રંથમાં હિંદુ ધર્મ અને સંસ્કૃતિની પ્રચલિત માન્યતાઓ અને રીતિરીવાજો પાછળના રહસ્યને ઉજાગર કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.
અમારા" શા માટે ભાગ-૧ અને ભાગ-૨ " ને વાંચકવૃંદ તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે.
પ્રસ્તુત ગ્રંથની બીજી આવૃત્તિ આપની સમક્ષ મુકતા ધન્યતા અને આનંદ અનુભવુ છુ. લેખનમાં કોઇ જગ્યાએ ક્ષતિ લાગે કે કોઇની શ્રદ્ધને ઠેસ પહોંચે તો ક્ષમા કરશો. લાગ્યુ તેવું લખ્યુ છે. સારુ લાગે તે સ્વીકારજો. અને અમલમાં મુકજો.
સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપા અને અમારા ગુરુવર્ય પૂ.શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદદાસજીની શુભાશિષથી અમારુ સાહિત્ય સેવાનુ કાર્ય ચાલે છે.
લેખન પ્રકાશનમાં મદદરુપ થનાર નામી અનામી સૌ કોઇનો આભાર. શ્રીજી મહારાજ સૌનુ મંગળ કરે એજ શુભકામના સહ.....
લી. શાસ્ત્રી દેવવલ્લભદાસના જય સ્વામિનારાયણ
જય શ્રી સ્વામિનારાયણ
સોરઠ ની ધીંગીધરા સતી, શૂરા અને સંતની ખાણ છે. સદ્. શ્રી ગુણાતીતાનંદસ્વામીની શિષ્ય પરંપરા માં સદ્. શ્રી બાલમુકુન્દદાસજીસ્વામી,સદ્. શ્રી નારાયણદાસજીસ્વામી,સદ્. શ્રી માધવદાસજી સ્વામી અને તેમના શિષ્ય સદ્. શ્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી ના અનન્ય સેવક એટલે વિદ્વત્વર્ય શાસ્ત્રી શ્રી દેવવલ્લભદાસજી સ્વામી – ગુરુકુળખાંભા. પૂજ્ય સ્વામીશ્રી નો જન્મ તા.૧-૬-૧૯૬૨ ના સૌરાષ્ટ્રના મોટા આંકડીયા ગામે થયો હતો. બાળપણથી જ સત્સંગ નો વારસો સ્વામીશ્રી ને મળ્યો હતો. પૂજ્ય સ્વામીશ્રીએગુજરાત યુનિવર્સીટીથીબી.એ. અંગ્રેજી માધ્યમ થી કર્યું હતું. ત્યારબાદ એમ.એ. ફિલોસોફી થી કર્યું. ત્યારબાદ પુનઃ એમ.એ. સંસ્કૃત માધ્યમ થી કર્યું. તેમજ બી.એડ. પણ સંસ્કૃત થી કર્યું. “ભારતીય ઈશ્વરવાદ” વિષય પર મહાનિબંધ લખીને વર્ષ ૧૯૯૧ માં ગુજરાત યુનિવર્સિટી થી પી.એચ.ડી. કરીને સ્વામિનારાયણ સંપ્રદાય નું ગૌરવ વધાર્યું. સાથો સાથ ભારતીય વિદ્યાભવન મુંબઈ થી રામાનુજવેદાંતાચાર્યની પદવી પ્રાપ્ત કરી. સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી વારાણસીથી દર્શનાચાર્યની પદવી પ્રાપ્ત કરી. ‘વિદ્યા અભ્યાસ કરીને સાધુ દિક્ષા લેવી’ એ ગુરુ વચન પ્રમાણે વિદ્યા અભ્યાસ પૂર્ણ કરીને વડતાલમાં સને ૧૯૯૨માં કાર્તિકીસમૈયામાં આચાર્ય મહારાજશ્રી પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને દેવવલ્લભદાસજી નામ રાખ્યું.
પૂ. સ્વામીશ્રીએશ્રી સહજાનંદ ગુરુકુળખાંભા ને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. મંડળ ના વડીલ સંતો સાથે સત્સંગ વિચરણ કરીને સત્સંગ ની સેવામાં જોડાયા. બાબરિયાવાડના ગામડાઓમાં અધિકમાસ, શ્રાવણમાસ, ચૈત્રમાસમાં શ્રીમદ્ ભાગવત, શ્રીમદ્સત્સંગિજીવન જેવા ગ્રંથોની કથાપારાયણો કરીને સત્સંગનું પોષણ કર્યું. ખાંભાગુરુકુળ દ્વારા પ્રકાશિત માસિક પત્રિકા ‘શ્રી સ્વામિનારાયણ દર્શન’ ના તંત્રી પદે રહી ૧૧ વર્ષ સુધી અવિરત સેવા કરી. પૂ. સ્વામીશ્રીએ ૧૨ જેટલા મૂળ ગ્રંથોનું સંપાદન તેમજ પ્રકાશન કરીને સાહિત્ય ક્ષેત્રે નોંધ પાત્ર સેવા કરી છે. આધ્યાત્મિક, શૈક્ષણિક, ભાષાકીય તેમજ સ્વાસ્થ્યને લગતા ૫૪ જેટલા પુસ્તકોનું સુંદર આલેખન, સંપાદન એવં પ્રકાશન કરીને સમાજને મૂલ્યવાન ભેટ આપી છે. આપની વૈદૂષ્યપ્રતિભાથી સત્સંગ સમાજ ખુબજ લાભાન્વિત થયો છે.
છેલ્લા પંદર વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત “શ્રી સ્વામિનારાયણગુરુકુળ સંઘ” ના મંત્રી પદે રહી આપે નોંધ પત્ર સેવા આપી છે. “શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય એક પરિચય” અને “ગુરુકુળ દર્શન” જેવા દળદાર સોવેનિયરનું પ્રકાશન કરીને આપે ગુરુકુળ સંઘનું ગૌરવ વધાર્યું છે. જપ, ધ્યાન અને ભજન એ આધ્યાત્મ માર્ગની શોભા છે, જે આપના જીવનનું નિયમિત અંગ બની ગયું છે. ભજન, લેખન અને શિક્ષણ એ આપના રસપ્રદ વિષયો હોય માત્ર ૫૬ વર્ષની વયે આ ક્ષેત્રે વિરાટ કર્યો કરીને ભાવિ નવયુવાનો ને એક અનોખુ પ્રેરણા બળ પૂરું પડ્યું છે. આપના દ્વારા સત્સંગ તેમજ સાહિત્ય ક્ષેત્ર સત્કાર્યો રૂપ વિશેષ સેવા થતી રહે એજ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન ના પવન ચરણો માં પ્રાર્થના.
-શ્રી સહજાનંદ ગુરુકુળખાંભા પરિવાર