દિન-પ્રતિ-દિન હું વધુ ને વધુ સ્પષ્ટ માનતો થયો છું કે ભારતીય ધાર્મિક અને આધ્યાત્મિક ચિંતનમાં નકારાત્મક દૃષ્ટિ ઘણી આવી ગઈ છે. જે પ્રાચીન ઋષિઓ પૂરા જીવનને સકારાત્મક દૃષ્ટિથી જોતા હતા અને સંસારને છોડવાની નહિ પણ માણવા અને જાણવાની દૃષ્ટિ ધરાવતા હતા તે પરંપરામાં ઊલટો વળાંક આવ્યો. ‘જીવન, માણવાની વસ્તુ નથી, પણ માત્ર જાણવાની વસ્તુ છે. જીવનને જાણવું એટલે આત્માને જાણવો. સાક્ષાત્કાર કરી લેવો. આવો સાક્ષાત્કાર મોહમાયામાં પડેલા સંસારીઓને તો કદી થાય જ નહિ, એટલે સૌએ પરિવ્રજ્યા ગ્રહણ કરવાની. સર્વસ્વનો ત્યાગ કરવાનો, જેમાં સૌથી મહત્ત્વનો ત્યાગ સ્ત્રીનો ગણાયો. (સ્ત્રીઓ માટે પુરુષનો).” આ રીતે નરનારી (પતિ-પત્ની)ને કાં તો પતિ-પત્ની થતાં અટકાવાયાં કાં પછી થયેલાંને જુદાં પડાયાં. આ અતિ મહત્ત્વનો અને પૂજ્ય ત્યાગ સ્થાપિત થયો. આના કારણે સાધુ-સાધ્વીઓનાં ટોળેટોળાં થવા લાગ્યાં. આ બધાં મોટા ભાગે પરાવલંબી જીવન જીવતાં થયાં, ઘર ઘરની ભિક્ષા લાવવી અને જમવું એને સૌથી ઉત્તમ વૃત્તિ ગણાઈ. મોક્ષ માટે આ જરૂરી તત્ત્વ બન્યું.