પ.પૂ. શાસ્ત્રી શ્રી પુરુષોત્તમવલ્લભદાસજી સ્વામી (પ્રભુ શાસ્ત્રી) સંક્ષિપ્ત પરિચય
ભગવાન શ્રી સ્વામિનારાયણ નિર્મીત ૬ (છ) મંદિર માહેલું જુનાગઢ નું મંદિર એટલે સંત રત્નોની ખાણ. સદ્. શ્રી ગુણાતીતાનંદ સ્વામી, સદ્. બાલમુકુન્દદાસજી સ્વામી વગેર સંતો ની પરંપરા માં સત્સંગ ના આભૂષણ સમા અનેક સંતો થયા. એ માહેલા વિદ્વાન શાસ્ત્રી શ્રી પુરુષોત્તમવલ્લભદાસજી સ્વામી એટલે જુનાગઢ સત્સંગ નું તેમજ સમસ્ત સોરઠ પ્રદેશ નું એક અવિસ્મરણીય ગૌરવવંતુ આભુષણ. પૂજ્ય સ્વામી શ્રી બાર વર્ષની બાળ વયે જ ગૃહ ત્યાગ ગુરુ પૂજ્ય શ્રી ઘનશ્યામ સ્વામી ના મંડળમાં પાર્ષદ તરીકે રહેવા આવી ગયા હતા. વડતાલ ના આચાર્ય મહારાજશ્રી પાસે વિક્રમ સંવત્ ૨૦૧૪ માં ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી. તેઓ શ્રી નું પૂર્વાશ્રમ નું નામ વલ્લભ હતું. જેતપુર મુકામે પિતા વસ્તાભાઈ આંબલીયા તથા માતા જવલબેનની કુખે વિ. સં. ૧૯૯૫માં તેઓ શ્રી નો જન્મ થયો હતો. બાળપણમાં જ સત્સંગના સંસ્કાર માતા પિતા તરફ થી મળ્યા હતા.
પૂજ્ય સ્વામી શ્રીએ બાળપણથી જ સ્કૂલ નું શિક્ષણ બિલકુલ મેળવ્યું નહોતું. છતાં હ્રદયમાં વિદ્યાભ્યાસ ની તીવ્ર તાલાવેલી ના ફળ સ્વરૂપે તેવોએ જુનાગઢ ના મહાન વિદ્વાન શાસ્ત્રી સ્વામી કૃષ્ણવલ્લભાચાર્યજી પાસે સંસ્કૃત, પ્રાકૃત તેમજ સાંપ્રદાયિક ગ્રંથો નો વિશદ અભ્યાસ કરીને સત્સંગ નો રાજીપો પ્રાપ્ત કર્યો હતો. કથાવાર્તા તેમજ સાહિત્યની અણમોલ સેવા દ્વારા તેઓશ્રી એ સત્સંગ નું નોંધપત્ર પોષણ કર્યું હતું. તેઓશ્રી એ ૩૫ જેટલા પ્રાચીન તેમજ નૂતન ગ્રંથોનું સંપાદન, અનુવાદન, લેખન તેમજ પ્રકાશન કરી ને સત્સંગ સ્વરૂપ શ્રીહરિની અદભૂત સેવા કરી છે. તેઓશ્રી પ્રસંગોપાત દેશાંતર માં વિચરણ કરતા પરંતુ પ્રારંભ થી અંત સુધી જુનાગઢ શ્રી રાધારમણ દેવના સાનિધ્યમાં રહીને વિ. સં. ૨૦૬૫ના જેઠ વદ ૭ સાતમના ૭૦ વર્ષ ની વયે ભૌતિક દેહ નો ત્યાગ કરી અક્ષરવાસી થયા હતા.
પૂજ્ય સ્વામીશ્રીના અંતેવાસી કોઈ દીક્ષિત શિષ્ય ન હતા. તેઓ ની સેવા શ્રી સહજાનંદ ગુરુકુળ ખાંભાના ભંડારી સ્વામી શ્રી વિષ્ણુસ્વરૂપદાસજીએ કરી હતી. તેઓ શ્રીનો સાહિત્યિક વરસો શ્રી વિષ્ણુસ્વરૂપદાસજી સ્વામી (+૯૧ ૯૪૨૯૧૫૯૭૯૯) સાચવી રહ્યા છે.
લે. ડો. શ્રી દેવવલ્લભદાસજી સ્વામી
(શ્રી સહજાનંદ ગુરુકુળ ખાંભા) (+૯૧ ૯૪૨૮૬૨૧૮૮૦)