ધર્મને પ્રભાવિત કરનારાં ચાર તત્ત્વો છે: (1) ઋષિ (2) આચાર્ય (3) સાધુ અને (4) સંત. ઋષિની વાણી આર્ષ હોય છે. પૂર્વગ્રહ વિનાની અને પક્ષપાત વિનાની વાણીને આર્ષ કહેવાય. ઋષિઓ શાસ્ત્રો રચે છે અને તેને લોકો સુધી પહોંચાડે છે. આચાર્યો ભાષ્યો રચે છે. મૂળ શાસ્ત્રને વધુ સ્પષ્ટ કરવા ભાષ્યો રચાતાં હોય છે, પણ પ્રથમથી જ એક સિદ્ધાંત નક્કી થઈ ગયા પછી તે પક્ષપાત મુક્ત રહી શકતાં નથી. માનો કે તમારે ગીતા ઉપર ભાષ્ય લખવું છે પણ પ્રથમથી જ તમે અદ્વૈતવાદ, દ્વૈતવાદ કે બીજો કોઈ વાદ મનમાં નક્કી કરી લીધો છે. હવે તમે ગીતાનું જે ભાષ્ય લખશો તે ગીતાનું ઓછું અને તમારું વધારે થઈ જશે. આ રીતે ખેંચતાણ શરૂ થતી હોય છે. સાધુઓ, ઋષિઓ અને આચાર્યોની વાણી અથવા સિદ્ધાંતોને ભણતા-ભણાવતા હોય છે અને પ્રચાર કરતા હોય છે. પણ જો તેઓ કોઈ આચાર્યના ચુસ્ત અનુયાયી થઈ જાય તો તે સાંપ્રદાયિક થઈ જતા હોય છે. જેથી પોતપોતાના સંપ્રદાયનો પ્રચાર કરતા થઈ જતા હોય છે. જો સાંપ્રદાયિક ન થાય તો ઋષિઓને અનુસરતા થાય છે. પણ આવું થવું દુર્લભ છે. વ્યક્તિ ચોકઠામાં ગોઠવાતો હોય છે, કારણ કે ચોકઠામાં સુરક્ષા હોય છે—સગવડો હોય છે પણ સાથેસાથે સીમિતતા પણ હોય છે. વ્યાસ જેવા ઋષિઓ સૌના છે, કારણ કે ચોકઠું નથી; પણ શંકરાચાર્ય જેવા આચાર્યો સૌના નથી થઈ શકતા, કારણ કે ચોકઠું બનાવ્યું છે. સાધુઓ આવા જુદાજુદા ચોકઠામાં ગોઠવાઈ જતા હોય છે, પણ આ બંનેથી સંતો અલગ હોય છે. એક તો તે સ્વંયભૂ હોય છે. તેમનામાં અમુક દૈવી તત્ત્વો જન્મજાત હોય છે. જે જન્મજાત હોય છે તે જ જીવનભર ચાલે છે. આરોપિત તત્ત્વ લાંબું ચાલતું નથી. જો ત્યાગ-વૈરાગ્ય જન્મજાત હોય તો જ જીવનભર ચાલી શકે છે. નહિ તો સમય જતાં તે ઢીલાં થઈ જાય છે. ભારતમાં જ નહિ વિશ્વભરમાં સંતો થયા છે અને થાય છે. મારી દૃષ્ટિએ સંતો ત્રણ પ્રકારના હોય છે: (1) ભજન કરનારા (2) સેવા કરનારા અને (3) સમાજ-સુધારો કરનારા. મારી વ્યાખ્યા પ્રમાણે જે પરહિતકારી હોય તેને સંત કહેવાય. પર એટલે માત્ર પોતાના સંપ્રદાયના જ નહિ, માનવમાત્રના.