આપણો નારીત્વનો આદર્શ છે સીતા, સાવિત્રી અને દમયંતી. આ સતીત્વ અને માતૃત્વના આદર્શને સુસ્થાપિત કરવા માટે શ્રીમા શારદાદેવીએ માનવદેહ ધારણ કર્યો હતો. વળી શ્રીમાએ વેદાંત કથિત નિવૃત્તિમાર્ગ અને પુરાણ પ્રબોધિત પ્રવૃત્તિમાર્ગનું પોતાના જીવનમાં સુભગ સંમિલન કરી બતાવ્યું હતું. તેઓ ન તો સંન્યાસિની હતાં, ન તો ગૃહસ્થ—પરંતુ તેમને બંને આદર્શોનું પોતાના જીવનમાં નિદર્શન કરી બતાવ્યું છે. શ્રીમાએ પોતાનાં માતા-પિતા, ભાઈઓ-ભાભીઓ, ભત્રીજીઓ, અન્ય સાસરિયાં અને પિયેરિયાં, ભક્તો-શિષ્યો—કે જે સૌ વિભિન્ન સ્વભાવનાં હતાં—સાથે સુમેળભર્યું જીવન જીવીને માનવજાતને અનુપમ આદર્શ બતાવ્યો છે. સર્વ પ્રકારની સાંસારિક ફરજો બજાવતા રહીને જીવનનું ઈશ્વરદર્શનનું પરમલક્ષ્ય કેવી રીતે સાધી શકાય છે એ પણ તેમણે પોતાના જીવન દ્વારા બતાવ્યું છે. વળી તેઓએ ઈશ્વરમાતૃત્વની વિભાવનાને સિદ્ધ કરવા સતી, કાલી, જગદ્ધાત્રી, સીતા, રાધા, બગલા એવાં વિવિધ ભગવતી રૂપો પોતાના ભક્તો-શિષ્યો સમક્ષ યથાસમયે ઉદ્ઘાટિત કર્યાં હતાં.
સ્વામી ચેતનાનંદ રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે તેમજ સેન્ટ લુઈસ અને કેન્સાસ સિટી, મિઝોરી, યુ.એસ.એ.ની વેદાંત સોસાયટીના મિનિસ્ટર ઇન્ચાર્જ છે. તેઓ 1950થી સંઘ સાથે સંકળાયેલા છે. તેઓ સત્તાવાર રીતે 1960માં સંન્યાસી તરીકે સંઘમાં જોડાયા હતા. તેમને રામકૃષ્ણ સંઘના સાતમા પરમાધ્યક્ષ અને શ્રીરામકૃષ્ણદેવના પ્રત્યક્ષ શિષ્ય સ્વામી બ્રહ્માનંદના અંગત સચિવ સ્વામી શંકરાનંદ દ્વારા દીક્ષા આપવામાં આવી હતી.
1971માં યુનાઇટેડ સ્ટેટ્સમાં આવતાં પહેલાં, સ્વામીએ માયાવતી, હિમાલય ખાતે અદ્વૈત આશ્રમના પ્રકાશન અને સંપાદકીય વિભાગો અને કલકત્તામાં તેની શાખામાં કાર્યરત હતા. તેમણે 1971-78 સુધી વેદાંત સોસાયટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, લોસ એન્જલસના આસિસ્ટન્ટ મિનિસ્ટર ઇન્ચાર્જ તરીકે સેવા આપી હતી. 1977-78માં, તેમણે સધર્ન કેલિફોર્નિયાની આંતર-ધાર્મિક પરિષદના ઉપ-પ્રમુખ તરીકે સેવા આપી હતી, અને હાલમાં તેઓ સેન્ટ લુઈસની ઇન્ટરફેથ પાર્ટનરશિપના કેબિનેટ મેમ્બર છે. માર્ચ 1978માં તેમની બદલી સેન્ટ લુઈસ, મિઝોરીમાં કરવામાં આવી અને સ્વામી સત્પ્રકાશાનંદ હેઠળ સેન્ટ લુઈસની વેદાંત સોસાયટીના આસિસ્ટન્ટ મિનિસ્ટર ઇન્ચાર્જ તરીકે સેવા આપી હતી. નવેમ્બર 1979માં સ્વામી સત્પ્રકાશાનંદના દેહાવસાન પછી જાન્યુઆરી 1980માં તેઓ સોસાયટીના મિનિસ્ટર ઇન્ચાર્જ બન્યા. તેઓ કેન્સાસ સિટી, મિઝોરી, યુ.એસ.એ.ની વેદાંત સોસાયટીના પણ મિનિસ્ટર ઇન્ચાર્જ છે.
સ્વામી ચેતનાનંદે તમામ છ ખંડોનો પ્રવાસ કર્યો છે અને ભારતીય ફિલસૂફી, ખાસ કરીને વેદાંત અને રામકૃષ્ણ-વિવેકાનંદ વિશે પ્રવચનો આપ્યાં છે. તેમણે છેલ્લાં 48 વર્ષો દરમિયાન પશ્ચિમમાં નિષ્ઠાવાન સાધકોને ધ્યાન અને આધ્યાત્મિક બાબતો વિશે પ્રશિક્ષણ આપ્યું છે અને અત્યાર સુધીમાં વેદાંત ગ્રંથો અને રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય વિષયક લગભગ 1400 પ્રવચનો આપ્યા છે અને બે હજાર વર્ગોનું આયોજન કર્યું છે.
તેઓએ અંગ્રેજી, બંગાળી અને સંસ્કૃત ભાષામાં 40થી વધુ પુસ્તકોની રચના, સંપાદન, અથવા અનુવાદ કર્યા છે. તેઓનાં પુસ્તકો અને લખાણોનો જર્મન, ડચ, સ્પેનિશ, ફ્રેન્ચ, જાપાનીઝ, ક્રોએશિયા, લિથોનિયા અને મોટાભાગની ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે.