જીવનમાં તથ્યોને જિજ્ઞાસુજનના હૃદયમાં સુપ્રતિષ્ઠિત કરવા માટે સુયોગ્ય દૃષ્ટાંતો આપવાની પરંપરા ઘણી પ્રાચીન છે. ધર્મના હાર્દ સુધી પહોંચવા માટે શાસ્ત્રકારો અને ઉપદેશકો ઇતિહાસ અને પુરાણોની સામગ્રીનો ઉપયોગ હંમેશાં કરતા આવ્યા છે. ધર્મના, પરમ સત્યના અર્થવિસ્તાર માટે આ બધું અનિવાર્ય છે. કુશળ ઉપદેશકે ધર્મનું નિરૂપણ એની વ્યાવહારિકતાની ભૂમિકાએ રહીને કરવાનું હોય છે, એટલે જ એને દૃષ્ટાંત કથાઓનો આશ્રય લેવો પડે છે.