તમિળો દ્રવિડ છે અને મહાન પ્રજા છે. ઐતિહાસિક પ્રજા છે. અહીં ચેર, ચૌલ, પાંડ્ય, નાયક વગેરે વંશોએ દૂર દૂર સુધી રાજ્ય કર્યું છે. શ્રીલંકા ઉપર પણ વર્ષો સુધી રાજ કર્યું છે. આ રાજા-મહારાજાઓએ જે મંદિરો બાંધ્યાં છે તે વિશ્વની ઉત્કૃષ્ટ કારીગરી છે. તેનું ગૌરવ લઈ શકે છે. આપણા ગુજરાત ઉપર મોટા ભાગે બહારના લોકોએ રાજ કર્યું છે. ગુજરાતના રાજાઓ પણ બહારના અને ધર્મગુરુઓ પણ બહારના. ગુજરાતે પોતાના માણસોની યોગ્ય કદર કરી નથી. કદાચ ગુલામી માનસ કારણ હોય. તામિલો મુસ્લિમો સામે ટકી ન શક્યા. અને મુસ્લિમો અંગ્રેજો સામે ટકી ન શક્યા. અહીંનાં ભવ્ય મંદિરો સોનાચાંદીથી ઊભરાતાં અને તેને લૂંટવા દિલ્લીના સુલતાનો—બાદશાહો વારંવાર લશ્કર મોકલતા. અહીં વિજયાનગરમ્ મોટું સામ્રાજ્ય હતું. પણ તે પણ મુસ્લિમો સામે ટકી ન શક્યું. ઊતરતી સેના, ઊતરતાં શસ્ત્રો અને પ્રથમ આક્રમણ કરીને શત્રુને તેની જ ધરતી પર ધૂળ ચાટતો ન કરવાની નીતિથી રાજાઓ હારતા રહ્યા. દિલ્લી અને દેશના બીજા મુસ્લિમ શાસકોનો પ્રજાને સારો અનુભવ ન રહ્યો તેથી જે માન-પ્રેમ અંગ્રેજો પ્રત્યે હજી પણ લોકોને છે તે મુસ્લિમ શાસકો પ્રત્યે નથી રહ્યું. ગુજરાતમાં સૌથી મોટાં મંદિરો, અંબાજી, દ્વારકા, ડાકોર વગેરે છે. ત્યાં મેળાના દિવસોમાં જે ભીડ થાય છે તેથી પણ વધારે ભીડ અહીંનાં મુખ્ય મંદિરોમાં રોજ થાય છે. પણ લાઇનબંધ દર્શન કરવાની વ્યવસ્થાથી ધક્કામુક્કી નથી થતી. ઉત્તર ભારતનાં તીર્થોમાં જે પંડ્યાઓનો ત્રાસ છે તે અહીં નથી. અહીંના બ્રાહ્મણો પ્રખર બુદ્ધિશાળી અને અપેક્ષાકૃત સાત્ત્વિક છે. ભારતમાં મોટા ભાગનાં નોબલ પારિતોષિક અહીંના બ્રાહ્મણોએ લીધાં છે. રોકેટ અને મિસાઇલના ક્ષેત્રમાં અહીંના બ્રાહ્મણોની બોલબાલા છે. તામિલનાડુનું રાજકારણ ઉત્તરની તુલનામાં સારું કહેવાય. જોકે દૂષણો તો બધે જ છે.