રામકૃષ્ણ મઠ-મિશનના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજનું પ્રસ્તુત પુસ્તક બે ભાગમાં છે. ‘An Introduction to the Study of the Gita’ એ શીર્ષક રૂપે તેનો પહેલો ભાગ પ્રસિદ્ધ થયો હતો. જીવનના વિભિન્ન પ્રકારના કાર્યોમાં વ્યસ્ત જગતના વિચારશીલ લોકોને ગીતાનો પરિચય કરાવવા માટે આ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવી હતી. એનો બીજો ભાગ ‘The Charm and Power of the Gita’ એ આ મહાન ગ્રંથ ઉપર અપાયેલ એક ઉદ્બોધક વ્યાખ્યાનનું અનુલેખન છે. પહેલા ભાગના ત્રણ અધ્યાય મૂળત: વર્તમાન લેખક દ્વારા રામકૃષ્ણ સમિતિ, હૈદરાબાદ, સિંધ, પાકિસ્તાનના તત્ત્વાવધાનમાં ફેબ્રુઆરી-માર્ચ, ૧૯૪૬માં અપાયેલાં વ્યાખ્યાનો છે. પછીથી મે-જૂન ૧૯૪૬ તથા ફેબ્રુઆરી ૧૯૪૭ના ‘વેદાંત કેસરી’ના અંકોમાં પ્રસિદ્ધ થયાં હતાં. ૧૯૫૦માં રામકૃષ્ણ મિશન, શિલોંગ દ્વારા આ લેખોને એકત્ર કરીને એક પુસ્તિકા રૂપે પ્રકાશિત કર્યા. ૧૯૬૯માં રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર દ્વારા અને ૧૯૯૧માં અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા તેનાં પુન: પ્રકાશન થયાં. એનો બીજો ભાગ આ મહાન ગ્રંથના પ્રત્યેક શ્લોક પર આધુનિક વિચારોના આલોકમાં તથા સમયની આવશ્યકતા પ્રમાણે સ્વામી રંગનાથાનંદજી મહારાજના વ્યાખ્યાનો પર આધારિત અને ત્રણ ગ્રંથમાં પ્રકાશિત થયેલ ‘ભગવદ્ ગીતાનો વૈશ્વિક સંદેશ’નો અત્યંત શિક્ષાપ્રદ ભૂમિકાનો અંશ છે.
સ્વામી રંગનાથાનંદ