મેં વિશ્વભરમાં જૂના ધર્મોમાં બહુ દેશ જોયા. મિસ્ર, ગ્રીસ, રોમ વગેરે સ્થળે હજી આજે પણ જુદા જુદા દેવોનાં મંદિરો તથા પ્રતિમાઓ છે. ઇસ્લામના ઉદય પહેલાં આરબ દેશોમાં પણ બહુદેવવાદ હતો. ભારતમાં તો હતો જ. વિદેશોમાં ખ્રિસ્તી અને ઇસ્લામના પ્રભાવમાં બહુદેવવાદ સમાપ્ત થઈ ગયો. તેની જગ્યાએ બહુદરગાહવાદ સાથે એકેશ્વરવાદ આવ્યો. આપણે ત્યાં એક બ્રહ્મવાદ હતો જ પણ તે માત્ર થોડા વિદ્વાનો સુધી જ સીમિત હતો. સામાન્ય લોકો સુધી તો બહુદેવવાદ જ પ્રચલિત હતો. દેવોની કથાઓ હોય. બ્રહ્મની કથા ન હોય, દેવો જન્મે, મોટા થાય, પરાક્રમો કરે, પરણે, બાળબચ્ચાં થાય તેમને શાપ લાગે અને શાપ આપે, આશીર્વાદ પણ આપે. તેમને પણ માણસ જેવાં જ ઈર્ષ્યા-દ્વેષ-રાગ, કામ, ક્રોધ વગેરે હોય જ. તેથી રંગીન કથાઓ થાય. આ બધું ન હોય તો કથાઓ ન હોય. કદાચ હોય તો નીરસ હોય. તેથી પુરાણોમાં પુષ્કળ કથાઓ છે. મેં જોયું કે એમાંની ઘણીખરી આજે પણ બોધપ્રદ અને પ્રસ્તુત છે. આ પુરાણોને જો તુચ્છકારી દેવાય તો બહુ મોટો વારસો આપણે ખોઈ બેસીએ, કારણ કે પુરાણોમાં કથાઓ સિવાય જીવનને સ્પર્શતા પ્રત્યેક વિષયના જ્ઞાનનો ભંડાર ભર્યો પડ્યો છે. ઘણાં વર્ષો પહેલાં મેં પુરાણો વાંચેલાં પણ ત્યારે મને નહિ ગમેલાં કારણ કે મારી પાત્રતા ખીલી ન હતી. વર્ષો પછી ફરી વાંચવાનાં થયાં અને મને લાગ્યું કે આમાં તો જીવનની કથાઓ જ ભરી પડી છે. નાનાં બાળકો દાદીમા પાસે રોજ એક વાર્તા સાંભળવાની અપેક્ષા રાખે છે. અહીં તો એક નહિ અસંખ્ય કથાઓનો ભંડાર ભર્યો પડ્યો છે. મેં થોડીક કથાઓ ચૂંટી કાઢી અને તેનું આલેખન કર્યું. કથાઓમાં મારી ટિપ્પણીઓ ઉમેરી, ક્યાંક ક્યાંક તેમાં થોડો ફેરફાર પણ કર્યો જેથી વધુ આધુનિક અને પ્રસ્તુત થાય. આ રીતે આ પુસ્તક તૈયાર થયું છે.