આપણને ચરક, સુશ્રુત, વાગ્ભટ વગેરે ચિકિત્સાશાસ્ત્રના પ્રકાંડ જ્ઞાતા, પ્રજ્ઞાપુરુષો - ઋષિઓ દ્વારા આયુર્વેદનો સમૃદ્ધ વારસો મળ્યો છે. પરંતુ આપણે ગુલામીના વિતેલા વર્ષોમાં પુરતી જાણકારીનો અભાવ અને જલ્દીબાજીના કારણે તેનાથી પરાંગમુખ થયા છીએ. પાશ્ચાત્ય ચિકિત્સા પદ્ધતિની આજે બધે બોલબોલા છે. પરંતુ તેની આડઅસરોની જેમ જેમ જાણકારી મળતી જાય છે. તેમ તેમ સુશિક્ષિત સમાજ આયુર્વેદ તરફ વળતો જાય છે. મૃગની નાભીમાં કસ્તુરી છે છતા તે કસ્તુરી શોધવા વન વગડાને જંગલોમાં ઠેરઠેર ભટકે છે. આપણી પણ તેવી દશા છે. ખેર ! બિત ગઇ સો બાત ગઇ !! જાગ્યા ત્યારથી સવાર.
અમારા ગુરુવર્ય સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદદાસજી આયુર્વેદના પ્રખર મર્મજ્ઞ અને કુશળ ચિકિત્સક હતા. તેમણે આજીવન નિઃસ્વાર્થભાવે આયુર્વેદિક ઓસડીયા દ્વારા સમાજની સેવા કરી. તેમના ચરણોમાં બેસવાનો બહુ થોડો લહાવો મળ્યો હતો. પરંતુ તેમની કૃપાપ્રસાદી પુરી મળી. ગુરુદેવના વૈદ્યકીય વારસાને અમે સાંગોપાંગ જાળવી શકયા નથી. છતા યત્કિંચિત ગુરુ ઋણ મુકત થવા પ્રયત્નો કર્યા છે. પૂજ્ય ગુરુદેવની હસ્તલિખિત ડાયરીઓના આધારે સંસ્થાએ અગાઉ બહાર પાડેલા 'આયુર્વેદ પ્રસાદમ્'ને અભૂતપૂર્વ લોક પ્રતિસાદ સાંપડયો. છ આવૃત્તિઓ બહાર પાડવી પડી. 'ફૂલછાબ' જેવા સૌરાષ્ટ્રના લોકપ્રિય દૈનિકમાં પણ તે 'દર્દ અને ઓસડ' એ કોલમરુપે અક્ષરશઃ પ્રગટ થઇ. તે કાંઇ નાનીસુની વાત ન ગણાય. તજજ્ઞોના ખૂબ ખૂબ અભિનંદન સાંપડયા. તેથી આ દિશામાં આગળ કંઇક કરવાની અમોને પ્રેરણાં મળી. મારો શિક્ષણ અને અધ્યાત્મ જગત સાથે વધુ લગાવ છે. છતા ગુરુદેવની જ્ઞાનપ્રસાદીના સહારે આયુર્વેદના પ્રાચીન અને અર્વાચીન શાસ્ત્રગ્રંથોનુ સઘન અધ્યયન અન અનુશીલન કરી આ ગ્રંથ દ્વારા. ગુરુદેવને શ્રદ્ધાંજલિરુપે આયુર્વેદની યત્કિંચિત્ સેવા કરવાનો વામણો પ્રયાસ કર્યો છે.
અગાઉ પ્રગટ થયેલા અમારા 'આયુર્વેદ પ્રસાદમ્' ગ્રંથમાં વિવિધ રોગ ઉપરના માત્ર ઘરગથ્થુ વિવિધ ઉપચારો જ પ્રગટ કરેલા. પરંતુ સમયાંતરે સમજાયુ કે ઉપચાર કરતા પણ નિદાન વધુ મહત્વનુ છે. કારણકે જ્યાં સુધી કોઇરોગનુ ચોક્કસ નિદાન થઇ શકે નહીં ત્યાં સુધી તેના ઉપર યોજેલા ઉપચારો 'હવામાં તીર' ફેંકવા જેવું છે. તેથી પ્રસ્તુત ગ્રંથમાં વિવિધ રોગના સંક્ષિપ્ત નિદાનોને વધુ મહત્વ આપ્યુ છે. સાથે ઉપચારો પણ આપ્યા છે.
નિદાનનુ કામ કપરુ છે. કુશળ ચિકિત્સકો પણ તેમાં થાપ ખાય જાય છે. છતા દરેક વ્યકિતએ નાનીનાની બાબતોમાં દવાખાનાના ધરમ ધક્કા ન ખાવા હોય અને પૈસાનુ પાણી ન કરવું હોય તો પોતે પોતાની રીતે દરેક રોગ સંબંધી સામાન્ય જ્ઞાન - જાણકારી મેળવવી જરુરી છે. તથા પોતાની પ્રકૃત્તિ પણ ઓળખી રાખવી જોઇએ.
સામાન્યરીતે બાળપણમાં કફ, યુવાવસ્થામાં પિત્ત અને ઉત્તરાવસ્થામાં વાયુની પ્રધાનતા હોય છે. શરીરની પ્રકૃત્તિના વાત, પિત્ત અને કફ એમ ત્રણ પાયાના ઘટકો છે. તેનુ સંતુલન એ સ્વાસ્થ્ય અને અસંતુલન રોગ નોતરે છે. આ ઘટકોમાંથી કોઇ એક કે બેની વૃદ્ધિ કે હાણ થવાથી બિમારી આવે છે.દરેક વ્યકિતએ પોતાની પ્રકૃત્તિ ઓળખી ક્યા દોષ (વાતવિકાર, પિત્તવિકાર, કફ વિકાર કે કોઇ બે દોષના સંમિશ્રણ)થી રોગ થયો છે તે ખબર પડે તો તેને અનુરુપ ઉપચાર થઇ શકે. દરેક વ્યાધિના મૂળમા વાત, પિત્ત કે કફ દોષ કારણભૂત હોય છે. વાયુનુ શમન કરે તેવા આહાર વિહારથી વાતજન્ય દર્દો, પિત્તનુ શમન કરે તેવા આહાર વિહારથી પિત્તજન્ય દર્દો અને કફનુ શમન કરે તેવા આહાર વિહારથી કફજન્ય દર્દો ઔષધિઓના નહીંવત્ સહારે પણ જલ્દીથી મટી શકે છે. કારણકે ઉપચાર કરતા પણ પરેજી ઘણું કામ કરી જાય છે. ઔષધિઓ પણ આ વાત, પિત્ત અને કફના સંતુલનનુ જ કામ કરે છે.
દેશીદવા થોડી શ્રદ્ધા અને ધીરજ માગી લે છે. પરંતુ તે રોગને જડમૂળથી નાબૂદ કરે છે. જ્યારે એલોપથીમાં બધુ ઇન્સ્ટન્ટ - તાબડતોડ થાય છે. પરંતુ તે રોગને નિર્મૂળ કરવાના બદલે દબાવે (સપ્રેસ) કરે છે. તેથી ફરી આહાર વિહારમાં જરાક વિપરીતતા થતા, રોગ ફરી દેખા દે અથવા એક રોગ મટીને તેની આડ અસરરુપે બીજો ઊભો થાય છે.
આયુર્વેદ અને એલોપથીની કાર્યપદ્ધતિ અલગ અલગ છે. છતા ચળકતુ બધુ સોનુ હોતુ નથી. આયુર્વેદની પણ કેટલીક મર્યાદાઓ છે. વાઢકાપ અને સર્જરીમાં આજના એલોપથીની સિદ્ધિઓ અજોડ છે. માટે જ્યાં જેનો જેટલો જરુરી હોય ત્યાં તેનો તેટલો નિષ્પક્ષપણે લાભ લેવો જોઇએ. બન્નેમાં ખામીઓ અને ખૂબીઓ છે.તેથી કોઇએક પદ્ધતિના અંધ અનુયાયી બનવા કરતા આયુર્વેદ, એલોપથી, હોમીયોપથી, નેચરોપથી, પ્રાણચિકિત્સા વગેરે ચિકિત્સાપદ્ધતિઓનો જેમાં જેની માસ્ટરી હોય તેમાં તેનો ભરપૂર લાભ લેવો જોઇએ.
પ્રસ્તુત ગ્રંથ આયુર્વેદ ચિકિત્સાપદ્ધતિ પ્રમાણે લખાયેલ છે.તેમાં વિવિધ પ્રકારની નિદાન પદ્ધતિઓ, વિવિધરોગની ઉત્પત્તિના કારણો, રોગના ચિન્હો, ઉપચારો, પરેજી વગેરે સંગ્રહિત કરવામાં આવ્યા છે. રસ - રસાયણ ઔષધિઓ દ્વારા કરવામાં આવતા ઉપચારો ઇરાદાપૂર્વક ટાળ્યા છે.કારણકે તે કુશળ અને અનુભવી ચિકિત્સકના માર્ગદર્શન હેઠળ કરવા જ હિતાવહ છે. વળી દવાઓના પ્રમાણમાપ અને અનુપાનો અંગે પણ ખાસ આગ્રહ રાખ્યો નથી. કારણકે દવાનુ પ્રમાણ દર્દીની વય, તાસીર, રોગની અવસ્થા વગેરે ઉપર વધુ આધાર રાખે છે.એક દવા એકદર્દીને સારીરીતે માફક આવે તે બીજાને માફક ન પણ આવે. કારણકે દરેક વ્યકિતની પ્રકૃત્તિ ભિન્નભિન્ન હોય છે. માટે વિવેકબુદ્ધિથી દવાનો ઉપયોગ કરવો. જ્યાં માપ ન લખ્યુ હોય ત્યાં 'સમભાગ' સમજવું. કાષ્ટ ઔષધિ ચૂર્ણ કે પ્રવાહી ઓસડીયા સામાન્યરીતે એક ચમચી લેવું. અને તીવ્ર ઓસડીયાનુ માપ ચણોઠીભાર રાખવું. એક સાથે એક કરતા વધુ ઉપચારો એક સાથે ન કરવા. વછનાગ, ઝેરકોચલા વગેરે ઝેરી દવાઓ શુદ્ધ કર્યા પછી જ ઉપયોગમાં લેવી. કોઇરોગને ક્યારેય નાનો ન સમજવો.
આમા આપેલા બધા ઉપચારો બધાએ અજમાવી જોયા હશે એવું માનવાનુ કોઇ કારણ નથી. વિવિધ રોગ ઉપરના આર્યુવેદના સિદ્ધહસ્ત વૈદ્યરાજોના હસ્તે લખાયેલા ગ્રંથોમાં આપેલા ઘરગથ્થુ ઉપચારોને અહીં સમાવવાનો પ્રયાસ કર્યો છે. તેમાં ક્યાંય ક્ષતિ રહી ગઇ હોય તો તે ક્ષમ્ય ગણી દરેક ઉપચાર અને ઓસડનો વિવેકબુદ્ધિથી ઉપયોગ કરવો.
લેખનમાં સહાય લીધી છે તેવા ગ્રંથકર્તાઓને આભાર સહ વંદન..
દર્દી ઉપર દવા ઉપરાંત પ્રભુની દુઆ પણ ઉતરે તેવી ઇશ પ્રાર્થના..
લેખન પ્રકાનમાં મદદરુપ થનાર નામી અનામી સૌનુ ભગવાન મંગળ કરે તેવી શુભ કામના..
લી. શાસ્ત્રી દેવવલ્લભદાસના જય સ્વામિનારાયણ
જય શ્રી સ્વામિનારાયણ
સોરઠ ની ધીંગીધરા સતી, શૂરા અને સંતની ખાણ છે. સદ્. શ્રી ગુણાતીતાનંદસ્વામીની શિષ્ય પરંપરા માં સદ્. શ્રી બાલમુકુન્દદાસજીસ્વામી,સદ્. શ્રી નારાયણદાસજીસ્વામી,સદ્. શ્રી માધવદાસજી સ્વામી અને તેમના શિષ્ય સદ્. શ્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી ના અનન્ય સેવક એટલે વિદ્વત્વર્ય શાસ્ત્રી શ્રી દેવવલ્લભદાસજી સ્વામી – ગુરુકુળખાંભા. પૂજ્ય સ્વામીશ્રી નો જન્મ તા.૧-૬-૧૯૬૨ ના સૌરાષ્ટ્રના મોટા આંકડીયા ગામે થયો હતો. બાળપણથી જ સત્સંગ નો વારસો સ્વામીશ્રી ને મળ્યો હતો. પૂજ્ય સ્વામીશ્રીએગુજરાત યુનિવર્સીટીથીબી.એ. અંગ્રેજી માધ્યમ થી કર્યું હતું. ત્યારબાદ એમ.એ. ફિલોસોફી થી કર્યું. ત્યારબાદ પુનઃ એમ.એ. સંસ્કૃત માધ્યમ થી કર્યું. તેમજ બી.એડ. પણ સંસ્કૃત થી કર્યું. “ભારતીય ઈશ્વરવાદ” વિષય પર મહાનિબંધ લખીને વર્ષ ૧૯૯૧ માં ગુજરાત યુનિવર્સિટી થી પી.એચ.ડી. કરીને સ્વામિનારાયણ સંપ્રદાય નું ગૌરવ વધાર્યું. સાથો સાથ ભારતીય વિદ્યાભવન મુંબઈ થી રામાનુજવેદાંતાચાર્યની પદવી પ્રાપ્ત કરી. સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી વારાણસીથી દર્શનાચાર્યની પદવી પ્રાપ્ત કરી. ‘વિદ્યા અભ્યાસ કરીને સાધુ દિક્ષા લેવી’ એ ગુરુ વચન પ્રમાણે વિદ્યા અભ્યાસ પૂર્ણ કરીને વડતાલમાં સને ૧૯૯૨માં કાર્તિકીસમૈયામાં આચાર્ય મહારાજશ્રી પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને દેવવલ્લભદાસજી નામ રાખ્યું.
પૂ. સ્વામીશ્રીએશ્રી સહજાનંદ ગુરુકુળખાંભા ને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. મંડળ ના વડીલ સંતો સાથે સત્સંગ વિચરણ કરીને સત્સંગ ની સેવામાં જોડાયા. બાબરિયાવાડના ગામડાઓમાં અધિકમાસ, શ્રાવણમાસ, ચૈત્રમાસમાં શ્રીમદ્ ભાગવત, શ્રીમદ્સત્સંગિજીવન જેવા ગ્રંથોની કથાપારાયણો કરીને સત્સંગનું પોષણ કર્યું. ખાંભાગુરુકુળ દ્વારા પ્રકાશિત માસિક પત્રિકા ‘શ્રી સ્વામિનારાયણ દર્શન’ ના તંત્રી પદે રહી ૧૧ વર્ષ સુધી અવિરત સેવા કરી. પૂ. સ્વામીશ્રીએ ૧૨ જેટલા મૂળ ગ્રંથોનું સંપાદન તેમજ પ્રકાશન કરીને સાહિત્ય ક્ષેત્રે નોંધ પાત્ર સેવા કરી છે. આધ્યાત્મિક, શૈક્ષણિક, ભાષાકીય તેમજ સ્વાસ્થ્યને લગતા ૫૪ જેટલા પુસ્તકોનું સુંદર આલેખન, સંપાદન એવં પ્રકાશન કરીને સમાજને મૂલ્યવાન ભેટ આપી છે. આપની વૈદૂષ્યપ્રતિભાથી સત્સંગ સમાજ ખુબજ લાભાન્વિત થયો છે.
છેલ્લા પંદર વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત “શ્રી સ્વામિનારાયણગુરુકુળ સંઘ” ના મંત્રી પદે રહી આપે નોંધ પત્ર સેવા આપી છે. “શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય એક પરિચય” અને “ગુરુકુળ દર્શન” જેવા દળદાર સોવેનિયરનું પ્રકાશન કરીને આપે ગુરુકુળ સંઘનું ગૌરવ વધાર્યું છે. જપ, ધ્યાન અને ભજન એ આધ્યાત્મ માર્ગની શોભા છે, જે આપના જીવનનું નિયમિત અંગ બની ગયું છે. ભજન, લેખન અને શિક્ષણ એ આપના રસપ્રદ વિષયો હોય માત્ર ૫૬ વર્ષની વયે આ ક્ષેત્રે વિરાટ કર્યો કરીને ભાવિ નવયુવાનો ને એક અનોખુ પ્રેરણા બળ પૂરું પડ્યું છે. આપના દ્વારા સત્સંગ તેમજ સાહિત્ય ક્ષેત્ર સત્કાર્યો રૂપ વિશેષ સેવા થતી રહે એજ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન ના પવન ચરણો માં પ્રાર્થના.
-શ્રી સહજાનંદ ગુરુકુળખાંભા પરિવાર